આત્મકથન /સંસ્મરણો : My Blog in Gujarati

Welcome! Gujarati mitro! This is my Blog in Gujarati. Let us help the Gujarati language to earn a distinct position on the NET.

Tuesday, October 31, 2006

વિસર્જન અને સર્જન

વિસર્જન અને સર્જન

આગળ વાત આવી ગઈ: ઘર નજીકના મેદાનની..

અમારા ઘરની પાછળના ભાગમાં દૂર-સુદૂર એક વિશાળ મેદાન ફેલાયેલું હતું.

થોડાં ઝાડ-ઝાંખરાં; કેટલીક નાની ટેકરીઓ.

અમારા અભ્યાસ-ખંડની બારીમાંથી તે દ્રશ્ય નિહાળવામાં ભારે ખુશી થતી.

એકાદ વર્ષ માંડ વીત્યું હશે અને એક દિવસ અમારી ખુશીનો ખજાનો લૂંટાવા લાગ્યો!

રાક્ષસી કદનાં બુલડોઝરો અમારી ખુશીને જમીનદોસ્ત કરવા લાગ્યાં.

એક પછી એક ટેકરીઓ ધૂળમાં મળવા લાગી. ઝાડપાન - ભલે ને કાંટાળાં - અમારા દોસ્ત બની ગયાં હતાં. મેદાનની દુનિયા અમારા બાળ-મનની સ્વપ્નસૃષ્ટિ હતી. બુલડોઝરોથી ઊડતી ધૂળમાં અમારા બાળપણની રંગીન દુનિયા ઝાંખી થતી ગઈ.

ભાતભાતનાં રંગો જેમાં ખોજ્યા, તે સ્વપ્નસૃષ્ટિ આમ ધૂળધાણી થઈ શકે છે તેવો પદાર્થપાઠ કંઈક કંઈક સમજાયો.

તે થોડા દિવસો અમારી મસ્ત જિંદગીમાં ગમગીની ઘોળી ગયા.

વખત વીતતો ગયો અને મેદાનનું નવું રૂપ પ્રગટતું ગયું.

જોતજોતામાં અમારી આંખો સમક્ષ એક વિખ્યાત ક્રિકેટ મેદાન અસ્તિત્વમાં આવ્યું. આ જ મેદાન પર અમે ભારતના જ નહીં, વિશ્વના ખ્યાતનામ ક્રિકેટરોને રમતા જોયા!

Sunday, August 20, 2006

વાત્સલ્યમૂર્તિ બાપુજી

.

મમતા પિતૃત્વનો પણ પર્યાય હોઈ શકે તે દર્શાવવા જ ભગવાને અમારા પિતાશ્રીને ઘડ્યા હશે!

પિતાશ્રીને અમે “બાપુજી” કહેતા. બાપુજીએ અમને ખૂબ પ્રેમથી ઉછેર્યાં.

સૌષ્ઠવસભર તામ્ર-ગૌર દેહ, ભરાવદાર લાંબા હાથ, પ્રભાવિત કરતો ચમકદાર ચહેરો અને ખાનદાની નમણું નાક.
તેમનો પહેરવેશ પણ ચીવટભર્યો. દૂધ જેવાં સફેદ ધોતિયું અને ઝભ્ભો. સફેદાઈ માટે પોતાનાં કપડાં જાતે જ ધોવાનો આગ્રહ.

ગઈ સદીના આરંભમાં સૌરાષ્ટ્રમાં બાપુજીનો જન્મ. નાની ઉંમરે આત્મવિશ્વાસ અને કર્મશીલતાની મૂડી લઈને શહેરમાં આવ્યા. ખંત અને નિષ્ઠાથી પ્રતિષ્ઠિત કુટુંબોનો વિશ્વાસ જીત્યો; ઘરોબો કેળવ્યો; રોજીરોટીની સ્વમાનભેર વ્યવસ્થા કરી અને ગૃહસ્થજીવન સંભાળ્યું.

બાપુજીનો પરિવાર-પ્રેમ બેનમૂન. કુટુંબના વિકાસમાં બાપુજીનું યોગદાન અનોખું. તે જમાનાની ટૂંકા પગારની નોકરી; ટ્યૂશન કરી અધિક આવક ઊભી કરી; ભારે પરિશ્રમ વેઠીને અમારા બાનું “ઘરનું ઘર” વસાવવાનું સ્વપ્ન સાકાર કર્યું. અમને ભણાવી-ગણાવી પ્રેમથી ઉછેર્યાં.

બાપુજી વ્યવહાર કુશળ હતા. તેમણે જ્ઞાતિ-સમાજમાં મીઠાશભર્યા સંબંધો નિભાવ્યા. સોસાયટીની સ્થાપનાથી આજીવન મેનેજીંગ કમિટીના સભ્ય રહ્યા. જીવનના પાછલા વર્ષોમાં, નાદુરસ્તીના એક સમયગાળામાં, સમાજ અને સંબંધોના મૂલ્ય પરત્વે તેમને આશંકા થઈ હતી, પરંતુ જેઓએ નિ:સ્વાર્થભાવે સાથ નિભાવ્યો તે પરિચિતો-સંબંધીઓ પર તેમની શ્રદ્ધા ક્યારેય ન ડગી.

બાપુજીએ અમને પ્રેમમય કુટુંબની સુરક્ષા અને હૂંફ આપ્યાં. બા-બાપુજીના પ્રસન્નદાંપત્યની છાયામાં અમારા બાળપણની કૂંપળોનું સ્નેહ-સિંચન થયું. અમારી સાથે કૂણો માખણ જેવો, હેતે નીતરતો વ્યવહાર. ગુસ્સે તો ભાગ્યે જ, ભાગ્યે જ થાય. બહાર ગયા હોઈએ ત્યારે પણ અન્ય આગળ અમારું માન જાળવે, સાથે રાખે, પ્રેમથી સાચવે. ખરેખર સ્નેહમૂર્તિ!

બાપુજીએ અમારી સમક્ષ પરિવાર-પ્રેમનો આદર્શ રાખ્યો. ગૃહસ્થ જીવનનો આદર્શ રાખ્યો. બાળ-ઉછેરનાં ઉત્તમ તત્ત્વો અમને શીખવ્યાં. આ આદર્શો, આ તત્ત્વો અમારા માટે સદાયે પ્રેરક બની રહ્યાં.

મારી કોલેજ કારકિર્દી હજી પાંગરતી હતી અને અમારા પર વજ્રાઘાત થયો. એક ટૂંકી માંદગીમાં બાપુજીએ જીવનલીલા સંકેલી લીધી. ધૂપસળીની માફક જીવન જીવી બાપુજી સ્વર્ગે સિધાવ્યા, પરંતુ તેમણે પ્રસરાવેલી સુગંધ આજેય અમારા જીવનને સુરભિત કરે છે. તેમના આશીર્વાદ અમને વિપદામાં પણ હૂંફ આપે છે.

બાપુજી! નત મસ્તકે આપને ભીની ભીની શ્રદ્ધાંજલિ! ૐ!

.

Friday, July 14, 2006

ભાર વિનાનું ભણતર!

.

ભાર વિનાનું ભણતર!

પાંચ દાયકા પહેલા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીની સંપત્તિ : એક થેલી કે દફતર; તેમાં દેશી હિસાબ, બે-એક પુસ્તકો, સ્લેટ અને પેન.

પ્રાથમિક શાળામાં નોટબુક ભાગ્યે જ વપરાતી. રૂટીન કામ સ્લેટમાં જ થતું.

મારા વિદ્યાર્થીઓ મને પ્રશ્ન કરે છે: સર, સ્લેટ એટલે શું?

સ્લેટ એટલે લાકડાની ફ્રેમમાં જડેલો કાળા પથ્થરનો સપાટ , “flat piece”. તેની બંને બાજુની લીસી સપાટી પર તમે માટીની પેન વડે લખી શકો. સાઈઝ આશરે આઠ ઈંચ બાય દસ-બાર ઈંચ.

સ્કૂલે જતા પહેલા ઘરના કંપાઉંડમાં પેનને અણી કાઢવા દોડીએ. ક્યારાને કિનારે ગોઠવેલી ઈંટોની કરકરી સપાટી પર સંભાળીને પેનને ઘસીએ. અણીદાર બનાવીએ. તે અણી જળવાઈ રહે તે માટે ક્યારાની ભીની માટીમાં પેનને હળવેથી ફેરવીએ અને પાક્કી કરીએ. બસ, મોતીના દાણા જેવા સુંદર અક્ષર લખવા માટે પેન તૈયાર.

સ્કૂલમાં સ્લેટ-પેન એજ સર્વસ્વ. ગુજરાતીના પાઠ હોય, ગણિતના દાખલા કે આંક કે વિજ્ઞાનના જવાબ .... બધું કામ સ્લેટ પર કરો. કામ કરો, શીખી લો; ભીના કપડાથી ભૂસી નાખો.

ભીની સ્લેટ સૂકવવા થોડી રમત કરી લો .... ભીની સ્લેટને હાથમાં પકડી હલાવતા રહો અને ગાતા જાવ:

ચકી ચકી પાણી પી .... બે પૈસાનો બરફ લાવ ...

ચકી પાણી પી જાય(!) અને સ્લેટ નવા કામ માટે કોરીકટ તૈયાર!

આજે નાનકડા ભૂલકાઓને ઈન્ફર્મેશન એજમાં માહિતીના ભાર નીચે દબાયેલા જોઈને વેદના પામું છું. આપણે તેમના બાળપણને કચડી નાખ્યું છે. ફર્સ્ટ સ્ટાન્ડર્ડથી ચાર-પાંચ-સાત વિષયો; દરેક વિષયના એક-બે પુસ્તકો, દરેક વિષયની ક્લાસવર્ક અને હોમવર્ક અલગ નોટબુકસ ... આપણે બાળકોને બોજાથી બેવડ કરી દીધાં છે. આપણે બુક્સ-નોટબુક્સમાં માહિતી ઠાંસી ઠાંસીને ભરી દીધી, તેમાં જ્ઞાન તો તલભારનું જ! બાળકને આપણે શું આપીએ છીએ?

અમે ભાર વગરનું ભણતર ભણ્યા, જીવનને સમજવાનું જ્ઞાન પણ રળ્યા!!

Sunday, July 09, 2006

બાનાં હાલરડાં અને સંગીતરસ

.

બાનાં હાલરડાં અમારા માટે ચિરકાલીન સંભારણારૂપ ખજાનો બની ગયાં છે.

બાનાં હાલરડાંની હલકે અમે ભાઈઓ નિદ્રાધીન થતા. વર્ષો પછી તે જ હાલરડાંઓથી મોટાભાઈઓના સંતાનોને અમે અમારા ખોળામાં પ્રેમથી પોઢાડતાં!

મારા દીકરાને નાનપણમાં એ જ હાલરડાંના સૂરે મેં પારણે ઝૂલાવ્યો!

મારા મિત્રો તથા તેમના સંતાનોએ તે સૂરોનો આનંદ લૂંટ્યો છે. અરે! ક્યારેક શાળાઓની મુલાકાતમાં, ક્યારેક ભૂલકાંઓના માતાપિતા સાથે ગોષ્ઠિમાં મેં હાલરડાં ગાઈ સૌને ભાવતરબોળ કરી દીધાં છે.

ઘોડિયે સૂતેલ બાળને ઝૂલવવા બા શરૂ કરે:

હાલા .... આ...... હા...લાઆ .... હા ..લા ...આઆ .......

એ લહેકામાં અજબનું ખેંચાણ!


પછી હોય કાનુડાની ફરિયાદ. :

માડી હું તો કાંઈ ન જાણું ...

વનરાવનમાં ગાવડી ચારું રે...

માડી મને એકલો જાણી ...

માડી મને ટાપલી મારી રે ...


એ મસ્તીમાં ડૂબવાની શી મઝા! કાનુડાની વાત કયા બાળકને ન ગમે?


એક સમયે હરિ ગોકુળિયામાં

રમતાં જાદવ રાય જો!

બળભદ્રજી કહે સુણો માતાજી,

માવો માટી ખાય છે!


અને સૂરની સરવાણી આમ વણથંભી વહેતી રહે.

અમારી ઉંમર વધતી જાય; બાનાં હાલરડાં બદલાતાં જાય.

ગીતો બદલાય; ગીતોના ભાવ બદલાય; ગીતોના સૂર બદલાય!

સાથે અમારી સંગીત સૂઝ સમૃદ્ધ થતી જાય!

સહેજ મોટા થતાં અન્ય ગીતો ઉમેરાય:

દરિયો ડોલે રે માઝમ રાતનો ...

તથા

દરિયાનાં તીર રળિયામણાં રે

કાંઠે રમે નાનાં બાળ .... (2),

ન્હાતાં ગાતાં ને કાંઈ નાચતાં..

હાંરે રૂડાં તરાવે છે વહાણ .... કાંઠે રમે નાનાં બાળુડાં ...


શિવાજીના હાલરડાથી શરૂ કરી રામ-કૃષ્ણ ભક્તિનાં ભજન પણ હોય!


સઘળા કવનમાં આરોહ-અવરોહ તો મંત્રમુગ્ધ કરે જ, તેમાંથી ભાવ તો એવો મીઠો પ્રગટે કે બાળમનનો ઝંઝ નીંદરડીની ગોદમાં શમવા લાગે!


બાનાં મધુર હાલરડાંઓએ અમારા બાળપણને સંગીતની ગળથૂથી પાઈ.


મઝાની વાત એ થઈ કે પછી તો, બા પૂજા કરતા હોય ત્યારે ઘંટડીના અવાજમાંથી નિષ્પન્ન અવાજ તો ગમે જ, પરંતુ બા રસોડામાં હાથથી રોટલા ઘડતા હોય ને તેના ટપ .. ટપ ... અવાજમાંથી યે તાલ સંભળાય. અરે! બા કપડાં ધોતા હોય ત્યારે ધોકાના ધબ .... ધબ .. અવાજમાથી પણ સંગીત જાગતું લાગે! અમને જીવનક્રમની એક એક ઘટનામાંથી સંગીત માણતાં આવડ્યું!


સંગીત કાનથી ભલે સાંભળો, ભાઈ! પણ જ્યારે હૃદયથી સાંભળશો, ત્યારે જીવન સ્વયં સંગીત બની જશે!


જીવનની પાંચ દાયકાઓની મારી યાત્રામાં બાએ પાયેલો સંગીતરસ હૃદયની એક એક ધડકનને પોષતો રહ્યો છે.


બિથોવન-મોઝાર્ટથી માંડી યાન્ની સુધીનું સંગીત શોખથી આત્મસાત કર્યું છે. એલ્વિસ પ્રિસ્લી અને આબાથી લઈ સેલિન ડાયોનના કંઠને જાણ્યો છે. રવિન્દ્રસંગીત, જુથિકા રે, ઓમકારનાથ કે સુબ્બાલક્ષ્મી તલ્લીન થઈ આરાધ્યાં છે. રવિશંકર, યેહુદી મેન્યુહીન, વાન શિપ્લે, અમઝદખાન, ઝાકીરહુસેન, શિવકુમાર, હરિપ્રસાદ, વિશ્વમોહન ભટ્ટ .... સહુના સંગીતનું રસપાન પ્રેમથી કર્યું છે.


જો બાનાં હાલરડાં ન હોત તો કદાચ અમે સંગીતની દિવ્યતાને આજે ઉચ્ચ સ્તરે માણી શકતા ન હોત!


તો.... જીવનસંગીતની સાધના કદાચ અધૂરી રહી હોત!

.

Tuesday, June 27, 2006

હાલરડું: સંગીતનો પહેલો પાઠ

.

બાનાં હાલરડાં આજે ય કાનમાં ગુંજે છે!

મીઠાં મધ જેવાં બાનાં હાલરડાં! શી મધુરપ!


મારાથી નાના બે ભાઈઓ. તેમના બાળપણનો ચિતાર મારી આંખોમાં છે. બા કેવા પ્રેમથી તેમને સાચવતાં.

રાત્રે અમે સાથે સૂતા. અમારી આંખો ભારે બને તે બાથી છૂપું ન રહે; બા કહે:જો, આંખોમાં રાતની મા આવી! અમે પથારીમાં પડીએ અને બા હાલરડાં ગાય.

બાનો પ્રેમાળ સ્પર્શ! કંઠે નીતરતી મીઠાશ! સૂરનો પ્રભાવ!

એક એક સૂર પર પોપચાં ઢળવા લાગે. જાદૂ છવાતો જાય અને રાતની મા ક્યારે આવે ખબરેય ન પડે!

બા કાનુડાના મઝાનાં હાલરડાં ગાતા. કેટલાક પ્રચલિત હાલરડાં પણ ગાતા. ક્યારેક રામ કથા પણ ગાતા. આ અમારા સંગીતના પ્રથમ પાઠ!


ઘણા હાલરડાં આજ અડધા-પડધા પણ યાદ તો રહ્યાં છે. જેમ કે:


સૂઈ જાઓ તમે કાન ... હાલરડું હુલરાવે જશોદાજી માવડી ....

હવે તમે નંદજી ગોકુળ સંચરો રે ... જશોદાજી જોતાં હશે વાટ જો ....

માડી હું તો કાંઈ ન જાણું ... વનરાવનમાં ગાવડી ચારું રે!

તમે મારા દેવના દીધેલ છો ...

રૂડી રામકથા .... શુકદેવજી કહે છે રે પરીક્ષિત રાય ને ....


અડધી સદી ઉપરની જીવન સફરમાં હજારો ગીતો સાંભળ્યાં છે; હજારો મ્યુઝિકલ ટ્યૂન્સ સાંભળી છે.


જરા પણ અતિશયોક્તિ વિના કહું: બાના હાલરડાંની તોલે કાંઈ ન આવે.

એ ઢાળ, એ આરોહ અવરોહ, એ સ્વર બાંધણી; તેમાંથી નિષ્પન્ન થતાં ભાવવાહી સૂર .... બધું જ નિરાળું, ભાઈ! બાના હાલરડાંની તોલે સાચે સાચ કાંઈ ન આવે.


વર્ષો પહેલાં રથયાત્રાના દિવસે બાએ નશ્વર દુનિયા છોડી મહાપ્રયાણ કર્યું.

આજે રથયાત્રાનો પવિત્ર દિન. આજે બાની પુણ્યતિથિ.

છલકતી આંખે બાને શ્રદ્ધાંજલિ! શત શત પ્રણામ!


.

Wednesday, June 21, 2006

ફાંકો ઉતારી દીધો!

.

બંદા ચોથા ધોરણમાં બુદ્ધિપ્રતિભામાં ઝળક્યા ને દયાશંકર દાદાજીએ મોનિટરની રૂઆબદાર પદવી આપી દીધી!

પછી તો, રાજ્જા! કાંઈ બાકી રહે? બંદા એક વેંત ઉપર થઈ ગયા!

બે પિરીયડ વચ્ચે ક્લાસ કંટ્રોલ કરવો; શિસ્ત જાળવવી, સહાધ્યાયીઓને ચૂપચાપ બેસાડી રાખવા; વાતો કરે તેને ક્લાસ-બહાર ઊભા કરવાની શિક્ષા કરવી ..... ભારે સત્તા મળી ગઈ!

બીજા જ અઠવાડિયાની વાત. બેલ વાગ્યો. દાદાજી હજી આવ્યા ન હતા.

સવારની વર્ગ-પ્રાર્થનાનો બેલ વાગ્યો ને આપણા ક્લાસમાં પ્રાર્થના શરૂ.

મોનિટર સાહેબનું સુપરવિઝન શરૂ!! ક્લાસમાં આંટા મારતા મારતા બધા પર નજર રાખવાની ને જેની આંખો ખુલ્લી હોય તેની આંખો બંધ કરાવવાની. ન સાંભળે તો ઘાંટો પાડીને પણ... ભાઈ, આ તો સત્તાનો નશો! અંધ કરી દે. (દિલ્હી હોય કે ગાંધીનગર કે ચોથું ધોરણ ... એ નશો બધે સરખો!)

અચાનક કોઈએ હાથ ઝાલી ક્લાસ બહાર ખેંચ્યો! કોની હિંમત થઈ મોનિટરનો હાથ ખેંચવાની? નજર ઊંચી કરી તો દાદાજી. ભવાં ખેંચાઈ ગયેલાં!

કાં આંટા મારે છે?

મને લાગ્યું કે દાદાજીને ગેર-સમજૂતિ થઈ લાગે છે ... ભૂલી ગયા લાગે છે.

સાહેબ, મોનિટર છું. આપે જ બનાવ્યો ગયા અઠવાડિયે ...

પ્રાર્થના ચાલે છે, નથી ખબર?

સાહેબ એટલે જ તો ... મોનિટર ...

દાદાજીની આંખોમાં રોષ પ્રગટવા લાગ્યો.

મોનિટર છું તો શું થઈ ગયું? ભગવાનથી તો મોટો નથી થઈ ગ્યો?

અને ગુસ્સાભર્યા દાદાજીના એ શબ્દોએ ....

મોનિટર સાહેબનો ફાંકો ઉતારી દીધો. જીવન ભર માટે!

પછી તો જિંદગીમાં અભ્યાસપ્રવૃત્તિમાં - જોબમાં અનેક માન-સમ્માન મળ્યાં, પણ મજાલ છે નશો ચઢે!

જરાક ડગાય કે દાદાજીના રોષભર્યા શબ્દો યાદ આવે :

ભગવાનથી તો મોટો નથી થઈ ગ્યો?
.

Tuesday, June 20, 2006

સુરક્ષિત વિશ્વની ઝાંખી

.

સ્કૂલ જીવનની શરૂઆતના કેવા મઝાના દિવસો!

સોસાયટીમાંથી બહાર નીકળો અને મુખ્ય રસ્તો શરૂ: ડામર(આસ્ફાલ્ટ)નો પાકો રસ્તો.

હજી તાજા જ ઉભરતા પરાવિસ્તારનો નવો નકોર આસ્ફાલ્ટ રોડ!

જાણે રાહદારીઓ માટે જ ખાસ બનાવ્યો હોય તેવો ખાલીખમ રસ્તો.

થોડી ધીમી ચાલતી સાયકલો, રડ્યાં ખડયાં નજરે પડતાં સ્કુટર, જવલ્લે જ નજરે ચડતી કાર; આ હતો ટ્રાફિક. આરામથી ચાલો; દોડો; રમત કરો; કોઈ ચિંતા નહીં!
હા, ક્યારેક ક્યારેક રસ્તા ધબધબાવતી રાક્ષસી ટ્રક નીકળે તેટલું સાચવી લેવાનું. બાકી આપણે રાજ્જા.

શાંતિભરી દુનિયા. ન ભાગાભાગી, ન દોડાદોડી, ન આજના જેવી આગળ નીકળવાની રેસ.
તમે પણ ચાલો; હું પણ ચાલું. આપણા સૌનો રસ્તો.
ન હતાં ટ્રાફિક સિગ્નલ, ન હતાં ટ્રાફિક પોલિસ. છતાં યે ટ્રાફિક સરળતાથી વહેતો રહેતો.

ન કોઈ તમને ભોં ભોં કરી ડરાવે; ન કોઈ વાહન તમારા પર ધસ્યું આવે! અમારા નાનકડા અસ્તિત્વની પણ અવગણના ન થાય. અમે એટલા તો ‘સેઈફ” અને “સિક્યોર્ડ”!

અમારી ઉંમર શું હતી? હજી માતાના ખોળાની સુરક્ષામાંથી હમણાં તો બહાર આવેલા!
અને જોયું કે બહારની દુનિયા પણ એટલી જ સલામત હતી!

આ અમારી પહેલી છાપ અજાણી આકૃતિઓ વિષેની. અજાણ્યા ચહેરાઓ વિષેની.

આ અમારી પહેલી પિછાણ બહારના વિશ્વની. વણજોયેલા વિશ્વમાં અમે સુરક્ષિત હતાં!!

અમે બહારની દુનિયા પર વિશ્વાસ કરતા થયા. અમારા સ્વભાવમાં ભરોસો અને વિશ્વાસ ગૂંથાવા લાગ્યાં


.

Wednesday, June 14, 2006

પ્રણામ શિક્ષકોને!

.

ઘણી વાર કેટલાક ઉત્સુક માતા-પિતા મને પ્રશ્ન કરે છે:
બાળકનો માનસિક-બૌદ્ધિક વિકાસ કઈ ઉંમરે મહત્તમ થવા લાગે છે?
કઈ ઉંમરે સંવેદનાઓ વિશેષ વિકસવા લાગે છે?

જવાબ સરળ છે: પ્રથમ વર્ષથી જ.

બાળકની, તેની કોઈ ઉંમરની, સ્થિતિની ઉપેક્ષા ન કરવી.

તેના વ્યક્તિત્વની- વર્તન કે વાતની- કદી અવગણના ન કરવી. બાળકની માનસિક- બૌદ્ધિક શક્તિ, સંવેદનશક્તિ શિશુકાળથી જ ખીલવા લાગે છે; તે શક્તિઓ સતત વિકસ્યા કરે છે.

તેનાં પોષક પરિબળો છે માતા-પિતા, કુટુંબ, શાળા, સહવાસ, સમાજનું સમગ્ર વાતાવરણ.

મને યાદ છે મારા ત્રીજા-ચોથા ધોરણનો અભ્યાસકાળ.
આઠેક વર્ષની કુમળી ઉંમર. જીવનને એક દિશા મળી ગઈ!

ત્રીજામાં વર્ગશિક્ષિકા હતાં પુષ્પાબહેન કવિ.
ગુજરાતી ભાષાનાં મહાન રસકવિ ન્હાનાલાલ દલપતરામ કવિના પુત્રવધુ.

પુષ્પાબહેન માયાળુ શિક્ષિકા. મધુર વ્યક્તિત્વ અને તેવી જ મીઠી વાણી. સ્મિતભર્યો લજ્જાયુક્ત ચહેરો. પ્રેમથી ભણાવે!

ચોથા ધોરણમાં દયાશંકર દાદાજી. નિરાળો પહેરવેશ. એશ રંગનો લાંબો ડગલો, ધોતિયું અને માથે કાળી ટોપી. ચહેરા પર છ દાયકાની સાક્ષી પૂરતી રેખાઓ. કડપ ભારે, અશિસ્ત ન સાંખે, પરંતુ અમારા પર પ્રેમ પણ વરસાવી દે!

બંને શિક્ષકોએ અમને અભ્યાસમાં રસ લેતા કર્યા.

ગણિત અને ગુજરાતી અમારા લોહીમાં ઉતારી દીધાં. ગુજરાતનો ગૌરવવંતો ઈતિહાસ અમારી આંખોમાં મૂકી દીધો. વલભીપુરની જાહોજલાલી, રાજકુંવરીની કાંસકીની વાર્તા, જયશિખરીની મર્દાનગી ..... આજે ય જયશિખરીનું મસ્તક વિનાનું ધડ જાણે લડતું દેખાય છે! અણહિલપુર અને વનરાજ, ચાંપો અને ચાંપાનેર, પાટણ અને સિદ્ધરાજ ... ગરવી ગુજરાતની વાતો તે શિક્ષકોએ અમારા હૃદય સોંસરવી ઉતારી દીધી!

દયાશંકર દાદાજીએ અમને ઈસપ, પંચતંત્ર તથા અરેબિયન નાઈટ્સથી પરિચિત કરાવ્યાં. દાદાજી વાર્તા-કથનમાં નિપૂણ. શબ્દ-ચિત્રોમાં તેમની તોલે કોઈ ન આવે! શબ્દપ્રયોગ જ નહીં, અવાજ અને ચહેરાના હાવભાવમાં એટલાં તો વેરીએશન્સ લાવે કે સ્તબ્ધ થઈને સાંભળ્યા જ કરીએ! ફરી ફરીને સાંભળીએ.

પંચતંત્રનાં પ્રાણીઓ પાસે અમે જંગલમાં પહોંચી જતાં; અલ્લાદ્દીનના મહાકાય જિનને આંખો ફાડી જોઈ રહેતાં (અને વિચારતાં: કાશ! એક જિન અમારું હોમ-વર્ક કરી આપતો હોય!) . અલીબાબામાં તો ખૂબ મઝા આવે; અમારે જ ગુફા ખોલવાની: “ખૂલ જા સીમ સીમ!” અને અમે અલીબાબાની ગુફામાં સોનામહોરોના ચળકાટમાં ખોવાઈ જતાં(કાશ! એક સોનામહોરથી એક સુંદર મઝાની સ્લેટ અને બે માટીની, ઈંટ પર ઘસી ઘસી અણીદાર થયેલી પેન ખરીદી શકાય! પણ રહેવા દો, પેનને અણીદાર કરવાનું કામ પેલા જીનને જ સોંપીશું. અત્યારે તો વાર્તા સાંભળી લઈએ!) આટલું વિચારીએ ત્યાં સુધીમાં તો દાદાજી ગુફાની બહાર ચાલીસ ચોર લઈ આવ્યા હોય!!

આવા શિક્ષકો હોય ત્યાં વિદ્યાર્થી શા માટે ન ભણે?

અને યાદ રહે: આમાંના કોઈ શિક્ષક પીટીસી કે બી.એડ ન હતાં!!!

અભ્યાસમાં રુચિ તો વધી જ; સાથે અમારી અભિવ્યક્તિ ખીલી ઊઠી. શબ્દો સાથે દોસ્તી બંધાઈ. અમારો સાહિત્યપ્રેમ પાંગરવા લાગ્યો.

પ્રણામ એ શિક્ષકોને!


.

પ્રકૃતિમાતાનું પ્રેમાળ સાન્નિધ્ય

.

વીસમી સદીના પાંચ દશકા પૂરા થઈ ચૂક્યા હતા.

મારા સ્કૂલજીવનનો આરંભ થયો .... અને ફડકો પેઠો!

સ્વતંત્ર અને મનપસંદ પ્રવૃત્તિઓ પર તરાપ પડશે?

આશંકા, ડર અને ઉમંગનું મિશ્રણ મનને ખાટું-મીઠું કર્યા કરે .... નારંગીની ગોળીની માફક! પણ જોતજોતામાં મીઠાશ વધી ગઈ!

નિમિત્ત બન્યો સ્કૂલનો રસ્તો. વાત એમ કે સ્કૂલ દૂર તો નહીં જ. ચાલતા જવાનું. પંદર-વીસ મિનિટનો રસ્તો. અને એ રસ્તાએ જ ઉત્સાહ વધારી દીધો. સોસાયટીમાંથી બહાર નીકળો, તરત ડામર રસ્તો. અડધે પહોંચી વળાંક લો, બાકીનો કાચો રસ્તો સ્કૂલ પહોંચાડે.

રોડની આસપાસ ધૂળિયો ભાગ તે અમારો ફૂટપાથ.

માટીના કાચા ફૂટપાથ પર છૂટુંછવાયું લીલોતરી ઘાસ; થોડા ફૂલછોડ; થોડા જંગલી છોડવા.

નાનકડા રોપાઓ પર નાનાં નાનાં પુષ્પો ખીલતાં. રંગબેરંગી અને આકર્ષક. અમે તેમની પાસેથી નીકળીએ તો અમને આવકારે; માનો ને વળગી જ પડે! અમે ખુશ થઈ જતાં!

ઋતુઓ પલટાય; પ્રકૃતિનાં સ્વરૂપ બદલાય; ફૂલછોડનાં રગરૂપ બદલાય! અમે આ ફેરફારોને આનંદથી નિહાળીએ! અવલોકન તો એવું કરીએ કે પાનની પીળાશમાં પહેલી પીળી ઝાંય પડે તે ય અમારી આંખથી બચે નહીં! એક પણ પરિવર્તન અમારી નજરથી છૂપું ન રહે. પરિવર્તન એ જીવનનો ક્રમ છે, તેનો આ પહેલો પાઠ!

રસ્તાની બે તરફ વૃક્ષોની હાર. શિરીષ, ગરમાળો,ગુલમહોર અને અન્ય. કેટલાક તો ખાસ્સાં ઊંચા.

હળવેથી અમને સ્પર્શીને પવન વૃક્ષોને વીંટળાય; સડસડાટ ઊપરની ડાળીઓને પહોંચે; પાંદડાં હલાવે! અજબનો ફરફરાટ અવાજ આવે! ક્યારેક ધીરો પવન એવું તો સૂરીલું સંગીત છેડે! આ બધા અવાજ પણ ઋતુએ ઋતુએ, વૃક્ષે વૃક્ષે બદલાય!

વૃક્ષો પાસેથી પસાર થતાં અમારી નજર ઊપર ઊઠે. વૃક્ષોની ઊંચી શાખાઓ; તેનાથી યે ઊંચે, ખૂબ ઊંચે વાદળાંઓ! ભૂરું ભૂરું અનંત આકાશ! અમે ખોવાઈ જતાં! ક્યારેક વૃક્ષને લાગણીવશ ભેટી પડતાં!

તે લાગણીઓ શી હતી તે આજે વધારે સ્પષ્ટ સમજાય છે.

આજે મારા સ્ટુડન્ટ્સને એન્વાયરન્મેન્ટ ભણાવતાં ભણાવતાં ક્યારેક રોકાઈ જાઉં છું. એન્વાયરન્મેંન્ટના લેસન દરેક સ્ટાન્ડર્ડમાં મૂકી દઈને આપણે આંખો બંધ કરી લીધી છે. કુદરતના, એન્વાયરન્મેંન્ટના પાઠ ચાર દીવાલોની કેદમાં ભણવાના? અફસોસ થાય છે હવેની જનરેશન્સ માટે!

અમારા બાળપણે અમને સંવેદનશીલ બનાવ્યા – બાહ્ય જગત પરત્વે, સજીવ સૃષ્ટિ પરત્વે, પર્યાવરણ પરત્વે. કુદરતના સાન્નિધ્યમાં પ્રકૃતિ મા પ્રત્યે પ્રેમભાવ, અહોભાવ જન્મ્યો!

.

મા પ્રકૃતિની ગોદે

.

તે સમયે આઝાદ હિંદુસ્તાન માંડ દસ-અગિયાર વર્ષનું.

મારા બાળપણને પ્રથમ કૂંપળો ફૂટતી હતી. છતાં માનસપટ પર સઘળાં દ્રશ્યો ગહન રીતે અંકાયાં છે.

દેશને મળી હતી મુક્તિની અણમોલ સિદ્ધિ.
નવી ખુશહાલી! સમગ્ર દેશમાં નવું જોમ.

દેશવાસીઓની આંખોમાં નવાં નવાં સ્વપ્નાં.
મારા પિતાજીએ પણ સ્વપ્નના સહારે એક નિર્ણય લીધો.

શહેર બહાર, એક વિકસતાં પરાંમાં ‘ઘરનું ઘર’ લેવાનો. સુંદર વિકસતો પરા વિસ્તાર. તેમાં આકાર પામેલી એક નવી જ સોસાયટી અને સોસાયટીમાં એક બંગલો. (કાનમાં કહી દઉં કે ‘સોસાયટી’, ‘કોલોની’ અને ‘બંગલો’ શબ્દ ત્યારે ખૂબ રોબ જમાવતા!) જૂના પાડોશીઓ જોવા આવતા; ખુશ થતા.

બંગલાને પોતાનું કંપાઉંડ અને તેને ફરતે કંપાઉંડ-વોલ.
મારું બાળસહજ મન તો આ સ્વતંત્રતા પર ફીદા થઈ ગયેલું.

બારીમાંથી બહાર નજર નાખો; ખુલ્લું વિશાળ મેદાન. થોડાં ઝાડ-ઝાંખરાં; કેટલીક નાની ટેકરીઓ.

પવન તો એવો વાય! ઝાડપાન હલે અને વિવિધ આકૃતિઓ સર્જાતી રહે. ધૂળની ડમરીઓ ચડે, પણ ટેકરીઓ અડીખમ ઉભી રહે.
આ બધું જોયા કરવાની એવી મઝા આવે! ક્યારેક તોફાની ચક્રવાત આવે; આકાશે પહોંચે ચક્રવાતના સ્તંભ!

રાત્રે કંપાઉંડમાં બેસો તાજા કૂણા ઘાસ પર! ઠંડો મીઠો પવન ગુલાબ, મોગરા, જૂઈની ખૂશ્બુ લાવે! ઉપર વિશાળ ગગન; દોડતાં વાદળો, ટમટમતા તારલા! એવી ખૂશી થાય!

ઘરમાંથી બહાર નજર કરો તો પ્રકૃતિ, બહાર નીકળો તો પણ પ્રકૃતિ!
ઘર કે બહાર, જ્યાં હોઈએ, ત્યાં અમને પ્રકૃતિનાં દર્શન થતાં.

મા પ્રકૃતિની ગોદમાં અમારું બાળપણ ખીલ્યું!

.