આત્મકથન /સંસ્મરણો : My Blog in Gujarati

Welcome! Gujarati mitro! This is my Blog in Gujarati. Let us help the Gujarati language to earn a distinct position on the NET.

Tuesday, June 27, 2006

હાલરડું: સંગીતનો પહેલો પાઠ

.

બાનાં હાલરડાં આજે ય કાનમાં ગુંજે છે!

મીઠાં મધ જેવાં બાનાં હાલરડાં! શી મધુરપ!


મારાથી નાના બે ભાઈઓ. તેમના બાળપણનો ચિતાર મારી આંખોમાં છે. બા કેવા પ્રેમથી તેમને સાચવતાં.

રાત્રે અમે સાથે સૂતા. અમારી આંખો ભારે બને તે બાથી છૂપું ન રહે; બા કહે:જો, આંખોમાં રાતની મા આવી! અમે પથારીમાં પડીએ અને બા હાલરડાં ગાય.

બાનો પ્રેમાળ સ્પર્શ! કંઠે નીતરતી મીઠાશ! સૂરનો પ્રભાવ!

એક એક સૂર પર પોપચાં ઢળવા લાગે. જાદૂ છવાતો જાય અને રાતની મા ક્યારે આવે ખબરેય ન પડે!

બા કાનુડાના મઝાનાં હાલરડાં ગાતા. કેટલાક પ્રચલિત હાલરડાં પણ ગાતા. ક્યારેક રામ કથા પણ ગાતા. આ અમારા સંગીતના પ્રથમ પાઠ!


ઘણા હાલરડાં આજ અડધા-પડધા પણ યાદ તો રહ્યાં છે. જેમ કે:


સૂઈ જાઓ તમે કાન ... હાલરડું હુલરાવે જશોદાજી માવડી ....

હવે તમે નંદજી ગોકુળ સંચરો રે ... જશોદાજી જોતાં હશે વાટ જો ....

માડી હું તો કાંઈ ન જાણું ... વનરાવનમાં ગાવડી ચારું રે!

તમે મારા દેવના દીધેલ છો ...

રૂડી રામકથા .... શુકદેવજી કહે છે રે પરીક્ષિત રાય ને ....


અડધી સદી ઉપરની જીવન સફરમાં હજારો ગીતો સાંભળ્યાં છે; હજારો મ્યુઝિકલ ટ્યૂન્સ સાંભળી છે.


જરા પણ અતિશયોક્તિ વિના કહું: બાના હાલરડાંની તોલે કાંઈ ન આવે.

એ ઢાળ, એ આરોહ અવરોહ, એ સ્વર બાંધણી; તેમાંથી નિષ્પન્ન થતાં ભાવવાહી સૂર .... બધું જ નિરાળું, ભાઈ! બાના હાલરડાંની તોલે સાચે સાચ કાંઈ ન આવે.


વર્ષો પહેલાં રથયાત્રાના દિવસે બાએ નશ્વર દુનિયા છોડી મહાપ્રયાણ કર્યું.

આજે રથયાત્રાનો પવિત્ર દિન. આજે બાની પુણ્યતિથિ.

છલકતી આંખે બાને શ્રદ્ધાંજલિ! શત શત પ્રણામ!


.

3 Comments:

  • At July 01, 2006, Anonymous Anonymous said…

    Nice Post!!

    “તમે મારા દેવના દીધેલ છો ... તમે મારા માંગીને લીધેલ છો...”is my Favorite one..my mumma n my nani use to sing that .. nice one!!!

    મને યાદ છે નાનપણથી જ મને ગાવાનો બહુ શોખ અને નાનપણ તેમના દ્રારા ગવાતાં હાલરડાં અને ભકિતગીતો તેમની સાથે સાથે કાલીઘેલી ભાષામાં ગાવા મને ખૂબ ગમતાં. તેમનો એ મધુરો અવાજ મને વારસામાં મળ્યો છે. અને સંગીતનું પ્રાથમિક જ્ઞાન પણ તેમના એ જ હાલરડાં એ આપ્યું હશે એમ મને આજે લાગે છે.

    Thanks !!!

     
  • At July 07, 2006, Blogger Jayshree said…

    ત્યારે મારી ઉંમર કેટલી એ તો યાદ નથી, પરંતુ આજે પણ આંખની સામે દેખાય છે અતુલની સુવિધા કોલોની નું ઘર નં 24, અને એનો ઓટલો. દરરોજ રાતે એ ઓટલાની પાળી પર બેસીને પપ્પા મને ખોળામાં સુવડાવતા : "આલી આલી આલી, મારા કુકડાને બહુ વ્હાલી". ( કુકડો એટલે મને પપ્પાએ આપેલું લાડકુ નામ, અને મમ્મીને પહેલેથી કમરની તકલીફ એટલે પપ્પાનો ખોળો વઘારે મળતો)

    આજે પણ હાલરડાંનું નામ આવે એટલે સૌપ્રથમ પપ્પાનો સ્વર કાનમાં ગૂંજે. કોઇ વાર ઘણાં પ્રયત્ન પછી પણ ઉંઘ ના આવે તો એમ થાય કે પપ્પાને ફોન કરું,"પપ્પા, આજે ઉંઘ નથી આવતી, મારા માટે આલી ગાઓને."

     
  • At October 08, 2006, Anonymous Anonymous said…

    મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ
    એથી મીઠેરી મોરી માત રે
    જનનીની જોડ સખી નહીં મળે રે લોલ

     

Post a Comment

<< Home