.
બાનાં હાલરડાં અમારા માટે ચિરકાલીન સંભારણારૂપ ખજાનો બની ગયાં છે.
બાનાં હાલરડાંની હલકે અમે ભાઈઓ નિદ્રાધીન થતા. વર્ષો પછી તે જ હાલરડાંઓથી મોટાભાઈઓના સંતાનોને અમે અમારા ખોળામાં પ્રેમથી પોઢાડતાં!
મારા દીકરાને નાનપણમાં એ જ હાલરડાંના સૂરે મેં પારણે ઝૂલાવ્યો!
મારા મિત્રો તથા તેમના સંતાનોએ તે સૂરોનો આનંદ લૂંટ્યો છે. અરે! ક્યારેક શાળાઓની મુલાકાતમાં, ક્યારેક ભૂલકાંઓના માતાપિતા સાથે ગોષ્ઠિમાં મેં હાલરડાં ગાઈ સૌને ભાવતરબોળ કરી દીધાં છે.
ઘોડિયે સૂતેલ બાળને ઝૂલવવા બા શરૂ કરે:
”હાલા .... આ...... હા...લાઆ .... હા ..લા ...આઆ .......”
એ લહેકામાં અજબનું ખેંચાણ!
પછી હોય કાનુડાની ફરિયાદ. :
“માડી હું તો કાંઈ ન જાણું ...
વનરાવનમાં ગાવડી ચારું રે...
માડી મને એકલો જાણી ...
માડી મને ટાપલી મારી રે ...”
એ મસ્તીમાં ડૂબવાની શી મઝા! કાનુડાની વાત કયા બાળકને ન ગમે?
“એક સમયે હરિ ગોકુળિયામાં
રમતાં જાદવ રાય જો!
બળભદ્રજી કહે સુણો માતાજી,
માવો માટી ખાય છે!”
અને સૂરની સરવાણી આમ વણથંભી વહેતી રહે.
અમારી ઉંમર વધતી જાય; બાનાં હાલરડાં બદલાતાં જાય.
ગીતો બદલાય; ગીતોના ભાવ બદલાય; ગીતોના સૂર બદલાય!
સાથે અમારી સંગીત સૂઝ સમૃદ્ધ થતી જાય!
સહેજ મોટા થતાં અન્ય ગીતો ઉમેરાય:
”દરિયો ડોલે રે માઝમ રાતનો ... “
તથા
“દરિયાનાં તીર રળિયામણાં રે
કાંઠે રમે નાનાં બાળ .... (2),
ન્હાતાં ગાતાં ને કાંઈ નાચતાં..
હાંરે રૂડાં તરાવે છે વહાણ .... કાંઠે રમે નાનાં બાળુડાં ...”
શિવાજીના હાલરડાથી શરૂ કરી રામ-કૃષ્ણ ભક્તિનાં ભજન પણ હોય!
સઘળા કવનમાં આરોહ-અવરોહ તો મંત્રમુગ્ધ કરે જ, તેમાંથી ભાવ તો એવો મીઠો પ્રગટે કે બાળમનનો ઝંઝ નીંદરડીની ગોદમાં શમવા લાગે!
બાનાં મધુર હાલરડાંઓએ અમારા બાળપણને સંગીતની ગળથૂથી પાઈ.
મઝાની વાત એ થઈ કે પછી તો, બા પૂજા કરતા હોય ત્યારે ઘંટડીના અવાજમાંથી નિષ્પન્ન અવાજ તો ગમે જ, પરંતુ બા રસોડામાં હાથથી રોટલા ઘડતા હોય ને તેના ટપ .. ટપ ... અવાજમાંથી યે તાલ સંભળાય. અરે! બા કપડાં ધોતા હોય ત્યારે ધોકાના ધબ .... ધબ .. અવાજમાથી પણ સંગીત જાગતું લાગે! અમને જીવનક્રમની એક એક ઘટનામાંથી સંગીત માણતાં આવડ્યું!
સંગીત કાનથી ભલે સાંભળો, ભાઈ! પણ જ્યારે હૃદયથી સાંભળશો, ત્યારે જીવન સ્વયં સંગીત બની જશે!
જીવનની પાંચ દાયકાઓની મારી યાત્રામાં બાએ પાયેલો સંગીતરસ હૃદયની એક એક ધડકનને પોષતો રહ્યો છે.
બિથોવન-મોઝાર્ટથી માંડી યાન્ની સુધીનું સંગીત શોખથી આત્મસાત કર્યું છે. એલ્વિસ પ્રિસ્લી અને આબાથી લઈ સેલિન ડાયોનના કંઠને જાણ્યો છે. રવિન્દ્રસંગીત, જુથિકા રે, ઓમકારનાથ કે સુબ્બાલક્ષ્મી – તલ્લીન થઈ આરાધ્યાં છે. રવિશંકર, યેહુદી મેન્યુહીન, વાન શિપ્લે, અમઝદખાન, ઝાકીરહુસેન, શિવકુમાર, હરિપ્રસાદ, વિશ્વમોહન ભટ્ટ .... સહુના સંગીતનું રસપાન પ્રેમથી કર્યું છે.
જો બાનાં હાલરડાં ન હોત તો કદાચ અમે સંગીતની દિવ્યતાને આજે ઉચ્ચ સ્તરે માણી શકતા ન હોત!
તો.... જીવનસંગીતની સાધના કદાચ અધૂરી રહી હોત!
.