આત્મકથન /સંસ્મરણો : My Blog in Gujarati

Welcome! Gujarati mitro! This is my Blog in Gujarati. Let us help the Gujarati language to earn a distinct position on the NET.

Wednesday, June 14, 2006

પ્રકૃતિમાતાનું પ્રેમાળ સાન્નિધ્ય

.

વીસમી સદીના પાંચ દશકા પૂરા થઈ ચૂક્યા હતા.

મારા સ્કૂલજીવનનો આરંભ થયો .... અને ફડકો પેઠો!

સ્વતંત્ર અને મનપસંદ પ્રવૃત્તિઓ પર તરાપ પડશે?

આશંકા, ડર અને ઉમંગનું મિશ્રણ મનને ખાટું-મીઠું કર્યા કરે .... નારંગીની ગોળીની માફક! પણ જોતજોતામાં મીઠાશ વધી ગઈ!

નિમિત્ત બન્યો સ્કૂલનો રસ્તો. વાત એમ કે સ્કૂલ દૂર તો નહીં જ. ચાલતા જવાનું. પંદર-વીસ મિનિટનો રસ્તો. અને એ રસ્તાએ જ ઉત્સાહ વધારી દીધો. સોસાયટીમાંથી બહાર નીકળો, તરત ડામર રસ્તો. અડધે પહોંચી વળાંક લો, બાકીનો કાચો રસ્તો સ્કૂલ પહોંચાડે.

રોડની આસપાસ ધૂળિયો ભાગ તે અમારો ફૂટપાથ.

માટીના કાચા ફૂટપાથ પર છૂટુંછવાયું લીલોતરી ઘાસ; થોડા ફૂલછોડ; થોડા જંગલી છોડવા.

નાનકડા રોપાઓ પર નાનાં નાનાં પુષ્પો ખીલતાં. રંગબેરંગી અને આકર્ષક. અમે તેમની પાસેથી નીકળીએ તો અમને આવકારે; માનો ને વળગી જ પડે! અમે ખુશ થઈ જતાં!

ઋતુઓ પલટાય; પ્રકૃતિનાં સ્વરૂપ બદલાય; ફૂલછોડનાં રગરૂપ બદલાય! અમે આ ફેરફારોને આનંદથી નિહાળીએ! અવલોકન તો એવું કરીએ કે પાનની પીળાશમાં પહેલી પીળી ઝાંય પડે તે ય અમારી આંખથી બચે નહીં! એક પણ પરિવર્તન અમારી નજરથી છૂપું ન રહે. પરિવર્તન એ જીવનનો ક્રમ છે, તેનો આ પહેલો પાઠ!

રસ્તાની બે તરફ વૃક્ષોની હાર. શિરીષ, ગરમાળો,ગુલમહોર અને અન્ય. કેટલાક તો ખાસ્સાં ઊંચા.

હળવેથી અમને સ્પર્શીને પવન વૃક્ષોને વીંટળાય; સડસડાટ ઊપરની ડાળીઓને પહોંચે; પાંદડાં હલાવે! અજબનો ફરફરાટ અવાજ આવે! ક્યારેક ધીરો પવન એવું તો સૂરીલું સંગીત છેડે! આ બધા અવાજ પણ ઋતુએ ઋતુએ, વૃક્ષે વૃક્ષે બદલાય!

વૃક્ષો પાસેથી પસાર થતાં અમારી નજર ઊપર ઊઠે. વૃક્ષોની ઊંચી શાખાઓ; તેનાથી યે ઊંચે, ખૂબ ઊંચે વાદળાંઓ! ભૂરું ભૂરું અનંત આકાશ! અમે ખોવાઈ જતાં! ક્યારેક વૃક્ષને લાગણીવશ ભેટી પડતાં!

તે લાગણીઓ શી હતી તે આજે વધારે સ્પષ્ટ સમજાય છે.

આજે મારા સ્ટુડન્ટ્સને એન્વાયરન્મેન્ટ ભણાવતાં ભણાવતાં ક્યારેક રોકાઈ જાઉં છું. એન્વાયરન્મેંન્ટના લેસન દરેક સ્ટાન્ડર્ડમાં મૂકી દઈને આપણે આંખો બંધ કરી લીધી છે. કુદરતના, એન્વાયરન્મેંન્ટના પાઠ ચાર દીવાલોની કેદમાં ભણવાના? અફસોસ થાય છે હવેની જનરેશન્સ માટે!

અમારા બાળપણે અમને સંવેદનશીલ બનાવ્યા – બાહ્ય જગત પરત્વે, સજીવ સૃષ્ટિ પરત્વે, પર્યાવરણ પરત્વે. કુદરતના સાન્નિધ્યમાં પ્રકૃતિ મા પ્રત્યે પ્રેમભાવ, અહોભાવ જન્મ્યો!

.

1 Comments:

  • At July 01, 2006, Anonymous Anonymous said…

    આ પોસ્ટ વાંચીને ફાધર વાલેસના એ શબ્દો યાદ આવે છે,
    તમે ગણેતશાસ્ત્ર શીખવામાં ચાલીસ વષૅ વીતાવો
    પણ જો તમે પેલા પુષ્પેને , પેલા ભૂરા આકાશને
    ના જોઇ શકો તો તમે મૃત છો.

    અને આ શબ્દોને હદયમાં ઉતાયૉ પછી ... સ્કુટી પર સડસડાટ દોડતી મારી સવાર, રસ્તા પર અનેક વૃક્ષો અને આવતા ડિવાડર પર ઉગાડેલા નાનકડા છોડની નોંધ લીધા વિના પસાર થતી નથી. અને તેમાં પણ પીળા ફુલો વડે લચી પડતું એ વૃક્ષ તેમજ ગુલમોહર ની એ જોડી પર મારો વિશેષ ભાવ..!! સાચે જ બધી જંજાળ ભૂલીને જો એ પળો માણી શકીએ તો આપણા પર ઇશ્ર્વરનો એક આશીવાદ જ છે.

     

Post a Comment

<< Home