આત્મકથન /સંસ્મરણો : My Blog in Gujarati

Welcome! Gujarati mitro! This is my Blog in Gujarati. Let us help the Gujarati language to earn a distinct position on the NET.

Friday, July 14, 2006

ભાર વિનાનું ભણતર!

.

ભાર વિનાનું ભણતર!

પાંચ દાયકા પહેલા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીની સંપત્તિ : એક થેલી કે દફતર; તેમાં દેશી હિસાબ, બે-એક પુસ્તકો, સ્લેટ અને પેન.

પ્રાથમિક શાળામાં નોટબુક ભાગ્યે જ વપરાતી. રૂટીન કામ સ્લેટમાં જ થતું.

મારા વિદ્યાર્થીઓ મને પ્રશ્ન કરે છે: સર, સ્લેટ એટલે શું?

સ્લેટ એટલે લાકડાની ફ્રેમમાં જડેલો કાળા પથ્થરનો સપાટ , “flat piece”. તેની બંને બાજુની લીસી સપાટી પર તમે માટીની પેન વડે લખી શકો. સાઈઝ આશરે આઠ ઈંચ બાય દસ-બાર ઈંચ.

સ્કૂલે જતા પહેલા ઘરના કંપાઉંડમાં પેનને અણી કાઢવા દોડીએ. ક્યારાને કિનારે ગોઠવેલી ઈંટોની કરકરી સપાટી પર સંભાળીને પેનને ઘસીએ. અણીદાર બનાવીએ. તે અણી જળવાઈ રહે તે માટે ક્યારાની ભીની માટીમાં પેનને હળવેથી ફેરવીએ અને પાક્કી કરીએ. બસ, મોતીના દાણા જેવા સુંદર અક્ષર લખવા માટે પેન તૈયાર.

સ્કૂલમાં સ્લેટ-પેન એજ સર્વસ્વ. ગુજરાતીના પાઠ હોય, ગણિતના દાખલા કે આંક કે વિજ્ઞાનના જવાબ .... બધું કામ સ્લેટ પર કરો. કામ કરો, શીખી લો; ભીના કપડાથી ભૂસી નાખો.

ભીની સ્લેટ સૂકવવા થોડી રમત કરી લો .... ભીની સ્લેટને હાથમાં પકડી હલાવતા રહો અને ગાતા જાવ:

ચકી ચકી પાણી પી .... બે પૈસાનો બરફ લાવ ...

ચકી પાણી પી જાય(!) અને સ્લેટ નવા કામ માટે કોરીકટ તૈયાર!

આજે નાનકડા ભૂલકાઓને ઈન્ફર્મેશન એજમાં માહિતીના ભાર નીચે દબાયેલા જોઈને વેદના પામું છું. આપણે તેમના બાળપણને કચડી નાખ્યું છે. ફર્સ્ટ સ્ટાન્ડર્ડથી ચાર-પાંચ-સાત વિષયો; દરેક વિષયના એક-બે પુસ્તકો, દરેક વિષયની ક્લાસવર્ક અને હોમવર્ક અલગ નોટબુકસ ... આપણે બાળકોને બોજાથી બેવડ કરી દીધાં છે. આપણે બુક્સ-નોટબુક્સમાં માહિતી ઠાંસી ઠાંસીને ભરી દીધી, તેમાં જ્ઞાન તો તલભારનું જ! બાળકને આપણે શું આપીએ છીએ?

અમે ભાર વગરનું ભણતર ભણ્યા, જીવનને સમજવાનું જ્ઞાન પણ રળ્યા!!

Sunday, July 09, 2006

બાનાં હાલરડાં અને સંગીતરસ

.

બાનાં હાલરડાં અમારા માટે ચિરકાલીન સંભારણારૂપ ખજાનો બની ગયાં છે.

બાનાં હાલરડાંની હલકે અમે ભાઈઓ નિદ્રાધીન થતા. વર્ષો પછી તે જ હાલરડાંઓથી મોટાભાઈઓના સંતાનોને અમે અમારા ખોળામાં પ્રેમથી પોઢાડતાં!

મારા દીકરાને નાનપણમાં એ જ હાલરડાંના સૂરે મેં પારણે ઝૂલાવ્યો!

મારા મિત્રો તથા તેમના સંતાનોએ તે સૂરોનો આનંદ લૂંટ્યો છે. અરે! ક્યારેક શાળાઓની મુલાકાતમાં, ક્યારેક ભૂલકાંઓના માતાપિતા સાથે ગોષ્ઠિમાં મેં હાલરડાં ગાઈ સૌને ભાવતરબોળ કરી દીધાં છે.

ઘોડિયે સૂતેલ બાળને ઝૂલવવા બા શરૂ કરે:

હાલા .... આ...... હા...લાઆ .... હા ..લા ...આઆ .......

એ લહેકામાં અજબનું ખેંચાણ!


પછી હોય કાનુડાની ફરિયાદ. :

માડી હું તો કાંઈ ન જાણું ...

વનરાવનમાં ગાવડી ચારું રે...

માડી મને એકલો જાણી ...

માડી મને ટાપલી મારી રે ...


એ મસ્તીમાં ડૂબવાની શી મઝા! કાનુડાની વાત કયા બાળકને ન ગમે?


એક સમયે હરિ ગોકુળિયામાં

રમતાં જાદવ રાય જો!

બળભદ્રજી કહે સુણો માતાજી,

માવો માટી ખાય છે!


અને સૂરની સરવાણી આમ વણથંભી વહેતી રહે.

અમારી ઉંમર વધતી જાય; બાનાં હાલરડાં બદલાતાં જાય.

ગીતો બદલાય; ગીતોના ભાવ બદલાય; ગીતોના સૂર બદલાય!

સાથે અમારી સંગીત સૂઝ સમૃદ્ધ થતી જાય!

સહેજ મોટા થતાં અન્ય ગીતો ઉમેરાય:

દરિયો ડોલે રે માઝમ રાતનો ...

તથા

દરિયાનાં તીર રળિયામણાં રે

કાંઠે રમે નાનાં બાળ .... (2),

ન્હાતાં ગાતાં ને કાંઈ નાચતાં..

હાંરે રૂડાં તરાવે છે વહાણ .... કાંઠે રમે નાનાં બાળુડાં ...


શિવાજીના હાલરડાથી શરૂ કરી રામ-કૃષ્ણ ભક્તિનાં ભજન પણ હોય!


સઘળા કવનમાં આરોહ-અવરોહ તો મંત્રમુગ્ધ કરે જ, તેમાંથી ભાવ તો એવો મીઠો પ્રગટે કે બાળમનનો ઝંઝ નીંદરડીની ગોદમાં શમવા લાગે!


બાનાં મધુર હાલરડાંઓએ અમારા બાળપણને સંગીતની ગળથૂથી પાઈ.


મઝાની વાત એ થઈ કે પછી તો, બા પૂજા કરતા હોય ત્યારે ઘંટડીના અવાજમાંથી નિષ્પન્ન અવાજ તો ગમે જ, પરંતુ બા રસોડામાં હાથથી રોટલા ઘડતા હોય ને તેના ટપ .. ટપ ... અવાજમાંથી યે તાલ સંભળાય. અરે! બા કપડાં ધોતા હોય ત્યારે ધોકાના ધબ .... ધબ .. અવાજમાથી પણ સંગીત જાગતું લાગે! અમને જીવનક્રમની એક એક ઘટનામાંથી સંગીત માણતાં આવડ્યું!


સંગીત કાનથી ભલે સાંભળો, ભાઈ! પણ જ્યારે હૃદયથી સાંભળશો, ત્યારે જીવન સ્વયં સંગીત બની જશે!


જીવનની પાંચ દાયકાઓની મારી યાત્રામાં બાએ પાયેલો સંગીતરસ હૃદયની એક એક ધડકનને પોષતો રહ્યો છે.


બિથોવન-મોઝાર્ટથી માંડી યાન્ની સુધીનું સંગીત શોખથી આત્મસાત કર્યું છે. એલ્વિસ પ્રિસ્લી અને આબાથી લઈ સેલિન ડાયોનના કંઠને જાણ્યો છે. રવિન્દ્રસંગીત, જુથિકા રે, ઓમકારનાથ કે સુબ્બાલક્ષ્મી તલ્લીન થઈ આરાધ્યાં છે. રવિશંકર, યેહુદી મેન્યુહીન, વાન શિપ્લે, અમઝદખાન, ઝાકીરહુસેન, શિવકુમાર, હરિપ્રસાદ, વિશ્વમોહન ભટ્ટ .... સહુના સંગીતનું રસપાન પ્રેમથી કર્યું છે.


જો બાનાં હાલરડાં ન હોત તો કદાચ અમે સંગીતની દિવ્યતાને આજે ઉચ્ચ સ્તરે માણી શકતા ન હોત!


તો.... જીવનસંગીતની સાધના કદાચ અધૂરી રહી હોત!

.