આત્મકથન /સંસ્મરણો : My Blog in Gujarati

Welcome! Gujarati mitro! This is my Blog in Gujarati. Let us help the Gujarati language to earn a distinct position on the NET.

Sunday, August 20, 2006

વાત્સલ્યમૂર્તિ બાપુજી

.

મમતા પિતૃત્વનો પણ પર્યાય હોઈ શકે તે દર્શાવવા જ ભગવાને અમારા પિતાશ્રીને ઘડ્યા હશે!

પિતાશ્રીને અમે “બાપુજી” કહેતા. બાપુજીએ અમને ખૂબ પ્રેમથી ઉછેર્યાં.

સૌષ્ઠવસભર તામ્ર-ગૌર દેહ, ભરાવદાર લાંબા હાથ, પ્રભાવિત કરતો ચમકદાર ચહેરો અને ખાનદાની નમણું નાક.
તેમનો પહેરવેશ પણ ચીવટભર્યો. દૂધ જેવાં સફેદ ધોતિયું અને ઝભ્ભો. સફેદાઈ માટે પોતાનાં કપડાં જાતે જ ધોવાનો આગ્રહ.

ગઈ સદીના આરંભમાં સૌરાષ્ટ્રમાં બાપુજીનો જન્મ. નાની ઉંમરે આત્મવિશ્વાસ અને કર્મશીલતાની મૂડી લઈને શહેરમાં આવ્યા. ખંત અને નિષ્ઠાથી પ્રતિષ્ઠિત કુટુંબોનો વિશ્વાસ જીત્યો; ઘરોબો કેળવ્યો; રોજીરોટીની સ્વમાનભેર વ્યવસ્થા કરી અને ગૃહસ્થજીવન સંભાળ્યું.

બાપુજીનો પરિવાર-પ્રેમ બેનમૂન. કુટુંબના વિકાસમાં બાપુજીનું યોગદાન અનોખું. તે જમાનાની ટૂંકા પગારની નોકરી; ટ્યૂશન કરી અધિક આવક ઊભી કરી; ભારે પરિશ્રમ વેઠીને અમારા બાનું “ઘરનું ઘર” વસાવવાનું સ્વપ્ન સાકાર કર્યું. અમને ભણાવી-ગણાવી પ્રેમથી ઉછેર્યાં.

બાપુજી વ્યવહાર કુશળ હતા. તેમણે જ્ઞાતિ-સમાજમાં મીઠાશભર્યા સંબંધો નિભાવ્યા. સોસાયટીની સ્થાપનાથી આજીવન મેનેજીંગ કમિટીના સભ્ય રહ્યા. જીવનના પાછલા વર્ષોમાં, નાદુરસ્તીના એક સમયગાળામાં, સમાજ અને સંબંધોના મૂલ્ય પરત્વે તેમને આશંકા થઈ હતી, પરંતુ જેઓએ નિ:સ્વાર્થભાવે સાથ નિભાવ્યો તે પરિચિતો-સંબંધીઓ પર તેમની શ્રદ્ધા ક્યારેય ન ડગી.

બાપુજીએ અમને પ્રેમમય કુટુંબની સુરક્ષા અને હૂંફ આપ્યાં. બા-બાપુજીના પ્રસન્નદાંપત્યની છાયામાં અમારા બાળપણની કૂંપળોનું સ્નેહ-સિંચન થયું. અમારી સાથે કૂણો માખણ જેવો, હેતે નીતરતો વ્યવહાર. ગુસ્સે તો ભાગ્યે જ, ભાગ્યે જ થાય. બહાર ગયા હોઈએ ત્યારે પણ અન્ય આગળ અમારું માન જાળવે, સાથે રાખે, પ્રેમથી સાચવે. ખરેખર સ્નેહમૂર્તિ!

બાપુજીએ અમારી સમક્ષ પરિવાર-પ્રેમનો આદર્શ રાખ્યો. ગૃહસ્થ જીવનનો આદર્શ રાખ્યો. બાળ-ઉછેરનાં ઉત્તમ તત્ત્વો અમને શીખવ્યાં. આ આદર્શો, આ તત્ત્વો અમારા માટે સદાયે પ્રેરક બની રહ્યાં.

મારી કોલેજ કારકિર્દી હજી પાંગરતી હતી અને અમારા પર વજ્રાઘાત થયો. એક ટૂંકી માંદગીમાં બાપુજીએ જીવનલીલા સંકેલી લીધી. ધૂપસળીની માફક જીવન જીવી બાપુજી સ્વર્ગે સિધાવ્યા, પરંતુ તેમણે પ્રસરાવેલી સુગંધ આજેય અમારા જીવનને સુરભિત કરે છે. તેમના આશીર્વાદ અમને વિપદામાં પણ હૂંફ આપે છે.

બાપુજી! નત મસ્તકે આપને ભીની ભીની શ્રદ્ધાંજલિ! ૐ!

.